Wednesday, October 19, 2016

દરિયાને તીર એક રેતીની અોટલી

         - સુંદરમ્



દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.

પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.

પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે'ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.

પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ  પૂરજો  જી  રે.
 
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.

પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,

જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી  જી   રે.

No comments:

Post a Comment